Skip to main content

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

07

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન

–બી. એમ. દવે

[ગત અંક : 06 (https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8/ )ના અનુસન્ધાનમાં..]

તારીખ : 12 ફેબ્રુઆરી, 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા મુળશંકર અંબાશંકર ત્રીવેદી નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત ભ્રમ ભાંગી ગયો. તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો ભ્રમ ભાંગી ગયો.

આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક મહર્ષી દયાનન્દ સરસ્વતી તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલીત અને સ્વીકાર્ય એવી મુર્તીપુજા અને બહુદેવવાદનો છેદ ઉડાડી દીધો હતો અને પ્રખ્યાત પુસ્તક ‘સત્યાર્થપ્રકાશ’ની રચના કરી હતી. એ સમયમાં રુઢીવાદી વીચારધારા સામે આવી વૈચારીક બગાવત કરવાથી ઘણાં સ્થાપીત હીતોનાં પેટમાં તેલ રેડાયું હતું અને ખોરાકી ઝેરની અસરથી તેમનું શંકાસ્પદ મરણ થયું હતું.

બાળક મુળશંકરની જેમ બીજાનો ભ્રમ ન ભાંગી જાય તેની ઘણી તકેદારી ધર્મના કહેવાતા રખેવાળો લેતા આવ્યા છે અને મહદંશે તેમાં સફળ પણ થયા છે. રુઢીગત માન્યતા મુજબનો ભ્રમ જળવાઈ રહે તેમાં દરેક ધર્મના રખેવાળોને તો રસ હોય જ છે અને શ્રદ્ધાળુઓને દોડવું હોય અને ઢાળ મળી જાય તેવી અનુકુળતા થઈ જાય છે. બન્ને પક્ષે ભ્રમને પંપાળવાનું વ્યવસ્થીત આયોજન સદીઓથી ચાલ્યું આવે છે. જો ક્રાંતીકારી વીચારોથી ભ્રમ ભાંગી જાય તો બન્ને પક્ષે ગેરફાયદો થવાની શક્યતા રહેલી હોય છે. ધર્મના રખેવાળો ને ભક્તોનો ભ્રમ ભાંગી જાય તો તેટલાં ઘેટાં–બકરાં તેમના ધર્મના વાડામાંથી ઓછા થઈ જવાની બીક લાગતી હોય છે.ભક્તોનો ભ્રમ ભાંગી ગયા પછી ધાર્મીકતાની શુગર–કોટેડ ટૅબ્લેટ ઉપરથી ખાંડનું પડ ઉખડી જાય છે, ત્યારે કડવાશરુપી વાસ્તવીક પરીસ્થીતીનો સામનો કરવાનું અસહ્ય બની જાય તેમ હોય છે; તેથી ભ્રમરુપી શુગર–કોટેડ ટૅબ્લેટ જ ગળી જવાનું વલણ અપનાવવામાં આવે છે.

સર્વસ્વીકૃત શાસ્ત્રોક્ત સીદ્ધાંતોની ઉપરવટ જઈ પોતાની મનપસન્દ માન્યતાઓને ભ્રમનું મહોરું પહેરાવી, આભાસી સલામતીનો આનન્દ માણવાની વ્યુહરચના સમજીએ, આ હેતુ માટે આપણને બધાને જોવા મળતી ચેષ્ટાઓનું પૃથક્કરણ કરીએ અને આવી ચેષ્ટાઓ પાછળ રહેલાં બેવડાં ધોરણોનો પર્દાફાશ કરીએ.

આ દીશામાં આગળ વધતા પહેલાં સર્વપ્રથમ ધર્મના હાર્દ તરીકે બુલન્દ અવાજે કહેવાયેલ અને શ્રદ્ધાળુઓ દ્વારા સ્વીકારાયેલ બાબતો ઉપર એક નજર કરી લઈએ :

(1)     વ્યક્તીનાં સુખ અને દુ:ખ તેમ જ જન્મ અને મરણ તેનાં કર્મફળ ઉપર આધારીત હોય છે અને તેમાં કોઈ પણ પ્રકારના ઈશ્વરીય હસ્તક્ષેપને અવકાશ નથી. શ્રીરામનો વનવાસ તથા શ્રીકૃષ્ણનો પારધીના બાણથી દેહત્યાગ એ બન્ને આ સીદ્ધાંતના સમર્થનના સચોટ ઉદાહરણ ગણાવાય છે.

(2)     પાપ અને પુણ્ય બન્નેનાં અલગઅલગ ફળ ભોગવવાનાં રહે છે. પુણ્યકર્મથી પાપકર્મ સરભર થતું નથી.

(3)     ઈશ્વર કોઈના ઉપર કૃપા કે મહેરબાની કરતા નથી અને તેથી જ તેમના પરમ ભક્તો પણ કર્મફળના કારણે ઘણી વાર ખુબ દુ:ખી દેખાય છે. ઈશ્વર સાક્ષીભાવે તટસ્થ રીતે બધું નીહાળે છે તેવું વેદોમાં પણ કહેવાયું છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માં પણ આ વાત ગાઈ–વગાડીને કહેવામાં આવી છે.

ઉપરોક્ત સર્વસ્વીકૃત હકીકતોનો સ્વીકાર કર્યા પછી પણ કોઈ વ્યક્તી તેની સાથે સુસંગત ન હોય તેવી વીરોધી માનસીકતા દાખવે તો તેને બેવડાં ધોરણ દ્વારા પંપાળીને પોષેલો ભ્રમ જ કહી શકાય ને?

વાચકમીત્રો! આપણે આવાં બેવડાં વલણ દ્વારા આચરવામાં આવતી કેટલીક ચેષ્ટાઓને ચકાસીએ :

  1.      સુવર્ણાક્ષરે કોતરાયેલ પંક્તી ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’ બધા જ શ્રદ્ધાળુને કબુલ છે. મહર્ષી વસીષ્ઠ દ્વારા જોવામાં આવેલ શુભ મુહર્ત પછી પણ જો અવતારી પુરુષ શ્રીરામ સાથે આવી ઘટના ઘટી શકતી હોય, તો આપણા જેવા પામર મનુષ્યો દ્વારા પ્રત્યેક શુભ કાર્યો માટે જોવામાં આવતાં મુહુર્તોનું ઔચીત્ય કેટલું? શુભ મુહર્ત જોયા પછી પણ ભયંકર અઘટીત ઘટનાઓ ઘટતી આપણે સૌ જોઈએ છીએ, તેમ છતાં મુહુર્તના ભ્રમમાંથી બહાર નીકળવાની હીમ્મ્ત કેળવાતી નથી; કારણ કે કાલ્પનીક સલામતીનું આશ્વાસન રહે છે. આ એક મસમોટો ભ્રમજ છે ને?

  2.      યાત્રાએ જતાં યાત્રાળુઓનાં થતાં કમોત, ધરતીકમ્પ, સુનામી અને પુર જેવી કુદરતી આફતોમાં થતાં હજારોનાં મૃત્યુ તેમ જ ભુખમરાથી થતાં મોત જેવી ઘટનાઓ અંગે શ્રદ્ધાળુઓ ઈશ્વરીય તત્ત્વની વકીલાત કરતાં કહે છે કે આવી ઘટનાઓ કર્મફળ પર આધારીત પુર્વનીશ્ચીત હોય છે.

કોઈ પણ વ્યક્તીના કોઈ પણ પ્રકારનાં મૃત્યુ માટે ઈશ્વરની કોઈ ઈચ્છા કે ભુમીકા હોતી જ નથી, એટલે કોઈ પણ મનુષ્યના મૃત્યુ માટે ઈશ્વરને જવાબદાર ગણવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી. હવે આવું કહેનાર શ્રદ્ધાળુઓ તેમનાં સ્નેહીજનો ગુજરી જાય ત્યારે શ્રદ્ધાંજલીમાં એવું છપાવે છે કે ‘ઈશ્વરને ગમ્યું તે ખરું’. મૃત્યુની ઘટના અંગે ઈશ્વરની કોઈ ઈચ્છા કે અનીચ્છા હોતી જ નથી તેવું કહેનાર અહીં પ્રભુને ગમવાની વાત વચ્ચે કેમ લાવે છે? એમ પણ કહેવાય છે કે ફલાણા કે ફલાણીને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા અને તેમનાં ચરણોમાં ચીર શાંતી આપશે. એક બાજુ એમ કહેવાનું કે મૃત્યુ માટે ઈશ્વરને ક્યાંય વચ્ચે લાવી શકાય નહીં અને બીજી બાજુ આશ્વાસન મેળવવા ઈશ્વરને વચ્ચે લાવીને ભ્રમ સેવવાનો મતલબ શો? આવાં બેવડાં ધોરણો આઘાતને પચાવવાનો બાલીશ પ્રયાસ ગણી શકાય અને ઈરાદાપુર્વક સેવવામાં આવેલો ભ્રમ ગણાય.

  1.      ગુરુજનો ગાઈ–વગાડીને કહે છે કે કોઈની ‘પાંચમની છઠ’ થતી નથી, અર્થાત્ જન્મતાંની સાથે જ મૃત્યુનાં પ્રકાર, સમય અને સ્થળ પુર્વ–નીશ્ચીત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તીના આયુષ્યમાં કોઈ પણ રીતે ફેરફારને અવકાશ જ નથી, તો બીજી તરફ બેવડું વલણ અપનાવીને ગુરુજનો અને વડીલો આશીર્વાદ આપતાં કાયમ કહે છે : ‘ભગવાન તમને સો વર્ષના કરે!’ કોઈના જન્મદીવસની શુભેચ્છામાં કહેવાય છે : ભગવાન આપને તન્દુરસ્ત અને લાંબું આયુષ્ય આપે.’ મહીલાઓને તો કાયમ ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ના આશીર્વાદનો વરસાદ વરસતો હોય છે. એક બાજુ કોઈની પાંચમની છઠ નથી તેમ સ્વીકારવું અને બીજી બાજુ આવા આશીર્વાદ આપવાની ઔપચારીકતા કરવાની માનસીકતા શું દર્શાવે છે? આવા ભ્રમ સાથે જીવવાનું એકમાત્ર પ્રયોજન મૃત્યુના ભય સામે સુરક્ષાની કાલ્પનીક લાગણી અનુભવી રાહત મેળવવાનો છે.

  2.      ભાગ્યની વાત વટાવી ખાવાની માનસીકતા પણ ભ્રમનો એક પ્રકાર છે. મોટા ભાગના માણસો જીન્દગીની તમામ નાનીમોટી બાબતોને ભાગ્ય સાથે જોડી દે છે અને ‘આમ લખ્યું હશે’ અથવા ‘આમ નહીં લખ્યું હોય’ તેમ માની મન મનાવવા કોશીશ કરતા જ રહે છે. થોડી વાર શાંત અને સ્વસ્થ ચીત્તે વીચારીએ તો પણ આ ભ્રમ ભાંગી જાય. દુનીયાની લગભગ સાત અબજની વસ્તીના સમગ્ર જીવનની ક્ષણેક્ષણની તમામ ગતીવીધીઓની સ્ક્રીપ્ટ ક્યાંક અગાઉથી લખાયેલી હોય અને તે મુજબ બની રહ્યું હોય તેવી વાત ગળે ઉતારવા મગજ ઉપર અમાનુષી અત્યાચાર કરવો પડે તેમ છે. મજાની વાત એ છે કે આવી તમામ બાબતોને પણ એક ત્રાજવે તોળવામાં આવતી નથી.

Comments

Popular posts from this blog

સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન ! તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં ...