Skip to main content

તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવે છે.

આ તો લાખો મેં એક જેવો અવસર ! ‘સિઆચેન સિવિલિયન ટ્રેક’માં જોડાવાનો નિર્ણય મેં તત્કાળ લઇ લીધો. નિર્ણય પાછળનો હેતુ હિમાલયના પહાડોમાં દિવસરાત ફરજ બજાવતા આપણા હિમપ્રહરીઓની કામગીરી નજીકથી જોવાનો, શૂન્ય નીચે ૨૫થી ૪૦ અંશ સેલ્શિઅસના વિષમ હવામાનમાં તેમણે વેઠવી પડતી વિવિધ શારીરિક તકલીફોથી માહિતગાર થવાનો, સિઆચેનની રોજિંદી કામગીરી જાણવાનો અને પછી એ તમામ અજાણ્યાં પાસાંને સચિત્ર વર્ણવતું પુસ્તક વાચકો સમક્ષ મૂકવાનો હતો. આમ કરવું જો કે સહેલું ન હતું. બલકે એમ કહો કે અત્યંત (ફરી વાંચો, અત્યંત) કસોટીભર્યું હતું. સિઆચેનના ઉત્તુંગ પહાડોનું આરોહણ કરવું, ત્યાંનું મર્યાદિત ઓક્સિજનવાળું વિષમ વાતાવરણ સહેવું અને કડકડતી ઠંડી વેઠવી એ જેવાતેવાનું તો કામ જ નહિ. શરીરની તેમજ મનની ડગલે ને પગલે આકરી પરીક્ષા લેવાય, જેમાં દર પળે ઉત્તિર્ણ થવું જ રહ્યું. આમાં મુખ્ય તો બે મોટા પડકારો હતા. પહેલો પડકાર સિઆચેનની શૂન્ય નીચે ૨૫થી ૪૦ અંશ સેલ્શિઅસની ઠંડી સહેવાનો, તો બીજી ચેલેન્જ સમુદ્રસપાટીથી સરેરાશ ૧૮,૦૦૦ ફીટ ઊંચા પર્વત પર આરોહણ કરવાની તેમજ એટલે ઊંચેની પાતળી, ઠંડી, ઓક્સિજનના મર્યાદિત પુરવઠાવાળી હવામાં શરીરના સ્વાસ્થ્યને ટકાવી રાખવાની હતી. આ બેઉ સાથે બાથ ભીડવાની તૈયારી હોય તો જ સિઆચેન જઇ શકાય. બાકી તો વિચાર સુધ્ધાં કરાય નહિ.
સિઆચેન : લદ્દાખી ભાષામાં સિઆનો અર્થ ગુલાબ અને ચેનનો મતલબ સ્થળ થાય છે. 
જો કે સિઆચેનના વિષમ પ્રાકૃતિક સંજોગો જોતાં ‘ગુલાબ’ શબ્દ ભ્રામક લાગે ! (તસવીર : હર્ષલ પુષ્‍કર્ણા)
બેઉ પડકારો ઝીલવાનું મેં મક્કમ મને નક્કી કરી લીધું. જો કે સિઆચેનના પ્રવાસ પૂર્વે બેઉ પડકારોનો આગોતરો મહાવરો લેવાનું જરૂરી લાગ્યું, એટલે જાન્યુઆરી, ૨૦૧૬માં ભર શિયાળે મેં લદ્દાખની મુલાકાત લીધી. શૂન્ય નીચે ૩૦૦ સેલ્શિઅસે થીજીને બર્ફીલી ચાદરમાં ફેરવાઇ ગયેલી ઝંસ્કાર નામની નદી પર ૯૫ કિલોમીટર લાંબો પગપાળા પ્રવાસ કર્યો. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૬૨; માર્ચ, ૨૦૧૬). ચાદર ટ્રેક કહેવાતા એ છ દિવસના ચેલેન્જિંગ પ્રવાસ દરમ્યાન માઇનસ ૨૯ અંશ સેલ્શિઅસ સુધીની હાડ ગાળી નાખતી ઠંડી સહેવાનો મહાવરો મળી ગયો. બીજો પડકાર સિઆચેનના ઊંચા પર્વત પર આરોહણનો હતો, જેનો મહાવરો લેવા માટે જૂન, ૨૦૧૬માં મેં લદ્દાખની ફરી મુલાકાત લીધી અને સ્તોક કાંગડી નામના ૨૦,૧૮૭ ફીટ ઊંચા બર્ફીલા શિખરને સફળતાપૂર્વક સર કર્યું. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૬૭; ઓગસ્ટ, ૨૦૧૬). બેઉ કસોટીઓ સફળતાપૂર્વક પાર કર્યાની ખાતરી થતાં છેવટે ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ માટે અરજી મોકલી. નસીબજોગે તેમાં નંબર લાગ્યો નહિ. (ઘણા વખત પછી જાણવા મળ્યું કે ઊંચા પદના રાજકીય આગેવાનની ઓળખાણ હોય તો ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’માં નંબર લાગવાની સંભાવના વધી જાય છે). દુર્ભાગ્યની વાત હતી, પણ તેને સ્વીકાર્યે જ છૂટકો! સિઆચેનની મુલાકાત આડેનો દરવાજો બંધ થયો. હવે તેના પર ટકોરા મારવાનો મતલબ ન હતો.

વાંધો નહિ ! એક દરવાજો બંધ થયો તો ભલે થયો. બીજો ખખડાવી જોવામાં વાંધો ખરો ? મેં એમ જ કર્યું. ખુશ્કીદળના નવી દિલ્લી ખાતેના મુખ્યાલયને વિસ્તૃત પત્ર લખ્યો. સિઆચેનની મુલાકાતે જવા પાછળનો મારો ઉમદા હેતુ તેમાં સ્પષ્ટ કર્યો, જે સાફ હતો : સિઆચેન ક્ષેત્રની રૂબરૂ મુલાકાત લેવી, ત્યાં સ્થિત જવાનો/અફસરોના ઇન્ટરવ્યૂ લેવા, સિઆચેનમાં ચાલતી દૈનિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો, સિઆચેનનું લશ્કરી મહત્ત્વ સમજવું અને પછી આવાં તમામ પાસાં દળદાર પુસ્તકરૂપે રજૂ કરવાં !

ખુશ્કીદળના મુખ્યાલયે મારા વિનંતીપત્રનો જવાબ આપવામાં સારો એવો વિલંબ કરી નાખ્યો. આખરે જવાબ આવ્યો, પણ નનૈયાનો ! હતોત્સાહ થવાયું, પણ નાસીપાસ નહિ. નનૈયાના પ્રત્યુત્તરમાં મેં તાર્કિક દલીલો કરી અને વિનંતીપત્ર પર પુનર્વિચાર કરવા માટે ભારપૂર્વક સૂચન કર્યું. ફોન, ઇ-મેલ તેમજ ટપાલો મારફત સંદેશાવ્યવહાર બહુ લાંબો ચાલ્યો. આખરે સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૬ના રોજ દિલ્લીના હેડક્વાર્ર્ટ્સે મને ઇન્ટરવ્યૂ માટે દિલ્લી તેડાવ્યો. રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલા સાઉથ બ્લોક કહેવાતા ભવ્ય મકાને હું ૧૫મી સપ્ટેમ્બરે પહોંચ્યો. નિશ્ચિત કાર્યાલયે ગયો, જ્યાં મેજરની તેમજ કર્નલની કક્ષાના કેટલાક ખુશ્કી અફસરોએ મારો ઇન્ટરવ્યૂ શરૂ કર્યો. ‘સિઆચેન વિશે શું જાણો છો ? ત્યાંના જોખમો વિશે તેમજ વિષમ વાતાવરણ અંગે માહિતગાર છો ? આ પ્રદેશ અતિશય જોખમી છે, ડગલેને પગલે મુસીબતોનો પાર નથી, જાનનું જોખમ રહેલું છે અને છતાં તમે ત્યાં રૂબરૂ જવા માગો છો ? કોઇ ખાસ કારણ છે તમારી પાસે ?’વગેરે જેવા સવાલોની રીતસર ઝડી વરસી. દરેકનો મેં સહેજ પણ ચલિત થયા વિના જવાબ આપ્યો, કેમ કે સિઆચેન જવા મળે કે કેમ તેનો ફેંસલો મારા જવાબોના આધારે થવાનો છે તે હું જાણતો હતો. પ્રશ્નોત્તરી લાંબી ચાલી. મારા વિનંતીપત્રને મંજૂર (કે પછી રદ) કરવાની સત્તા કર્નલ કક્ષાના જે સીનિઅર અફસરના હાથમાં હતી તેમણે આખરી સવાલ કર્યો, ‘મિસ્ટર પુષ્કર્ણા, માની લો કે અમારી ઓફિસ તમારી અરજીને નામંજૂર કરી નાખે છે... તો એ કેસમાં તમે શું કરશો ?’

‘તો હું આપના ઉપરી અફસરને તેમના કાર્યાલયે મળવા જઇશ !’ ઘડીભરનોય વિચાર કર્યા વિના મેં જવાબ દીધો. મારો આવો તડ ને ફડ જવાબ સાંભળી કર્નલના ચહેરાના હાવભાવ તરત બદલાયા. કઠણ ફૌજી મિજાજ પીગળ્યો અને ચહેરા પર હળવા સ્મિત સાથે તેઓ બોલ્યા, ‘મિ. પુષ્કર્ણા, તમારા ટુ-ધ-પોઇન્ટ જવાબોએ અમારા સૌનું દિલ જીતી લીધું છે. સિઆચેનનાં તમામ જોખમો જાણવા છતાં ત્યાંની મુલાકાતે જવાની અને તેય પગપાળા ચાલીને જવાની આટલી બધી તત્પરતા અને તૈયારી મેં આજ દિન સુધી કોઇ પત્રકારમાં જોઇ નથી. તમારા વિનંતીપત્રને હું સ્વીકારું છું અને મારા ઉપરી કાર્યાલયને (ઉધમપુર, જમ્મુ) મોકલી આપું છું. હવે એ કાર્યાલય જે નિર્ણય લે તે ખરો !’

‘નો પ્રોબ્લેમ, સર !’ મેં કહ્યું. ‘હું રાહ જોઇશ. જરૂર પડ્યે ઉધમપુર જવા પણ તૈયાર છું.’

ફરી પાછો લાંબો ઇન્ટરવલ પડ્યો. ફાઇનલ જવાબ ક્યારે આવશે, તે ‘હા’ હશે કે પછી ‘ના’, ઊંચા શિખરોમાં ચોકીપહેરો કરતા આપણા હિમપ્રહરીઓને મળવાનો મોકો સાંપડશે કે કેમ... વગેરે જેવા અનેક સવાલો રોજેરોજ મનમાં ઉઠતા હતા અને ઉચાટ તેમજ ઉત્કંઠાને સતત વધાર્યે જતા હતા. આખરે નવેમ્બર ૪, ૨૦૧૬ના રોજ સસ્પેન્સનો અંત આવ્યો. દિલ્લીના સંરક્ષણ ખાતામાંથી એ દિવસે મંજૂરીપત્રનો ફેક્સ મળ્યો, જે મુજબ સિઆચેન ક્ષેત્રની મુલાકાત લેવાની મને પરવાનગી મળી હતી.
સ‌િઅાચેનના ઉત્તુંગ પર્વતોની લશ્કરી ચોકીઅોના પહેરેગીર જવાનો (તસવીર : હર્ષલ પુષ્‍કર્ણા)
પાંચમી નવેમ્બરની વહેલી સવારે હું લેહના લશ્કરી મુખ્યાલયે પહોંચ્યો. સિઆચેન પ્રયાણ કરતા પહેલાં (સમુદ્રસપાટીથી ૧૧,૫૦૦ ફીટ ઊંચે વસેલા) લેહના વાતાવરણ જોડે અનુકૂલન સાધવું જરૂરી હતું, એટલે લશ્કરી અસફરોએ આપેલી સૂચના મુજબ કુલ ચાર દિવસ લેહમાં વીતાવ્યા અને પછી પાંચમા દિવસે સિઆચેનનો રસ્તો પકડ્યો. બરાબર એક વર્ષ પૂર્વે નવેમ્બર, ૨૦૧૫માં સિઆચેન બેઝ કેમ્પ ખાતે લીધેલો સંકલ્પ આખરે નવેમ્બર, ૨૦૧૬માં પૂરો થયો. દુનિયાથી અલિપ્ત એવી સિઆચેન ક્ષેત્રની દુનિયાના શીતાગારમાં મેં કુલ પાંચ દિવસ વીતાવ્યા, જે દરમ્યાન ખુશ્કીદળના જવાનોના, અફસરોના, લશ્કરી તબીબોના, સિઆચેનના વિષમ વાતાવરણનો ભોગ બનેલા દરદીઓના, ઉત્તુંગ શિખરોમાં માલસામાનની હેરફેર કરી આપતા લદ્દાખી પોર્ટરોના, શિખરોમાં આવેલી આપણી ચોકીઓમાં સ્થિત જવાનોના ઇન્ટરવ્યૂ કરી તેમના મોઢે સાવ અજાણી બાબતોથી માહિતગાર થવાનો મોકો સાંપડ્યો.


આ એડવેન્ચર ટ્રિપ દરમ્યાન કેવા કેવા અનુભવો થયા, જવાનોના તથા અફસરોના મોઢે શી માહિતી મળી, સિઆચેનની હોસ્પિટલમાં સારવાર લેતા દરદીઓની આપવીતી શી હતી, રસોઇયાઓથી માંડીને હેલિકોપ્ટર પાઇલટ સુધીના તમામ લોકો અહીં શી કામગીરી બજાવે છે અને તે કામગીરીમાં કેટકેટલી કસોટીઓ છે વગેરે અંગેની જાણકારી તથા તસવીરો એટલી થોકબંધ છે કે તેને લેખમાં સમાવી શકાય તેમ નથી. ‘સફારી’નો આખો અંક સુધ્ધાં ઓછો પડે. વિષય દળદાર પુસ્તકનો છે, જે ટૂંક સમયમાં (કુલ ચાર ભાષાઓમાં) આવી રહ્યું છે. બસ, થોડી રાહ જુઓ.

Comments

Popular posts from this blog

વિજ્ઞાન અને રાજકારણ : નોખાં રહે તો સફળતા, નહિતર સૂરસૂરિયું ઇસરોના કાબેલ વિજ્ઞાનીઓએ તથા ટેક્નિશિઅનોએ ગયા મહિને  PSLV ની એક જ છલાંગે સામટા ૧૦૪ ઉપગ્રહોને અંતરિક્ષમાં નિયત ભ્રમણકક્ષામાં પહોંચાડી આપ્યા એ ખુમારીપ્રેરક અને ખુશાલીજનક પ્રસંગની ઉજવણી ‘સફારી’ની ટીમે કાર્યાલયમાં પેંડા પાર્ટી વડે કરી. એક કે બાદ એક પેંડાને ‘ન્યાય’ આપી રહેલા ટીમસભ્યો વચ્ચે ઇસરો અને તેની સિદ્ધિઓ વિશે જે ચર્ચા ચાલી તેમાં એક સરસ મુદ્દો અનાયાસે નીકળ્યો ઃ વિજ્ઞાન-ટેક્નોલોજિનાં આપણાં અન્ય સરકારી એકમો કેમ ઇસરો જેટલા કાર્યક્ષમ નથી ? મસ્ત સવાલ છે. થોડાક બેકગ્રાઉન્ડ સાથે તેનો ખુલાસો વાંચો-- આજથી ૬૦ વર્ષ પહેલાં જગતનો સૌપ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક’ રશિયાએ ચડાવ્યો હતો. આ ઉપગ્રહ માટે જરૂરી એવું રોકેટ સર્ગેઇ કોરોલ્યેવ નામના રશિયન ઇજનેરનું દિમાગી ફરજંદ હતું. રોકેટનો આઇડિઆ જગતને આપનાર કોન્સ્તેન્તિન ત્સિઓલ્કોવ્સ્કી નામનો ભેજાબાજ પણ રશિયન હતો. રાઇટ બ્રધર્સનું પહેલું પ્લેન હજી આકાર નહોતું પામ્યું ત્યારે કોન્સ્તેન્તિને ૧૮૯૫માં સૂચવ્યું હતું કે વધુ સ્પીડ માટે રોકેટને ત્રણ-ચાર તબક્કામાં વહેંચી દેવું જોઇએ. પહેલું કમ્પ્યૂટર અમેરિક...