ઇસરોના કાબેલ વિજ્ઞાનીઓએ તથા ટેક્નિશિઅનોએ ગયા મહિને PSLVની એક જ છલાંગે સામટા ૧૦૪ ઉપગ્રહોને અંતરિક્ષમાં નિયત ભ્રમણકક્ષામાં પહોંચાડી આપ્યા એ ખુમારીપ્રેરક અને ખુશાલીજનક પ્રસંગની ઉજવણી ‘સફારી’ની ટીમે કાર્યાલયમાં પેંડા પાર્ટી વડે કરી. એક કે બાદ એક પેંડાને ‘ન્યાય’ આપી રહેલા ટીમસભ્યો વચ્ચે ઇસરો અને તેની સિદ્ધિઓ વિશે જે ચર્ચા ચાલી તેમાં એક સરસ મુદ્દો અનાયાસે નીકળ્યો ઃ વિજ્ઞાન-ટેક્નોલોજિનાં આપણાં અન્ય સરકારી એકમો કેમ ઇસરો જેટલા કાર્યક્ષમ નથી ? મસ્ત સવાલ છે. થોડાક બેકગ્રાઉન્ડ સાથે તેનો ખુલાસો વાંચો--
આજથી ૬૦ વર્ષ પહેલાં જગતનો સૌપ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક’ રશિયાએ ચડાવ્યો હતો. આ ઉપગ્રહ માટે જરૂરી એવું રોકેટ સર્ગેઇ કોરોલ્યેવ નામના રશિયન ઇજનેરનું દિમાગી ફરજંદ હતું. રોકેટનો આઇડિઆ જગતને આપનાર કોન્સ્તેન્તિન ત્સિઓલ્કોવ્સ્કી નામનો ભેજાબાજ પણ રશિયન હતો. રાઇટ બ્રધર્સનું પહેલું પ્લેન હજી આકાર નહોતું પામ્યું ત્યારે કોન્સ્તેન્તિને ૧૮૯૫માં સૂચવ્યું હતું કે વધુ સ્પીડ માટે રોકેટને ત્રણ-ચાર તબક્કામાં વહેંચી દેવું જોઇએ. પહેલું કમ્પ્યૂટર અમેરિકાએ ૧૯૪૫ બનાવ્યું એ જાણીતી વાત છે. પરંતુ કમ્પ્યૂટર બનાવવામાં રશિયનો પાછળ નહોતા. ૧૯૫૦માં તેમણે 'Large Electronic Computing Machine' નામનું પાવરફુલ કમ્પ્યૂટર બનાવી દીધું હતું. ભૌતિકસિદ્ધાંતો વડે લેસર કિરણોના આઇડિઆનો પાયો જેણે નાખ્યો અને તે બદલ ૧૯૬૪નું નોબલ પારિતોષિક મેળવ્યું તે એલેક્ઝાન્ડર પ્રોખોરોવ રશિયન હતો. જગતનું સૌપ્રથમ સફળ હેલિકોપ્ટર ઇગોર સિકોર્સ્કી નામના રૂસી ભેજાબાજના હાથે બન્યું, તો અંતરિક્ષમાં માનવજાત વતી પહેલી હાજરી પૂરાવનાર અવકાશયાત્રી યુરી ગગારિન પણ રશિયન !
જુઅો, અમે અાઆગળ નીકળી ગયા ! સોવિયેત રશિયાના / USSRના સ્પેસ પ્રોગ્રામની સફળતા ચમકાવતું ૧૯પ૮ના અરસાનું રૂસી પોસ્ટર |
જુઓ કે જગતને રશિયાએ ઉપગ્રહ, રોકેટ, લેસર, કમ્પ્યૂટર વગેરે જેવી પાયાની મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો આપી છે. આમ છતાં આજે તેમાંની એકેય શોધ ખુદ રશિયા માટે ખણખણિયા વરસાવી દેતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં પરિણમી નથી. દા.ત. રશિયન બનાવટનું કમ્પ્યૂટર ક્યાંય જોયું? કે પછી કોઇ મોટા ગજાની લેસર ઉત્પાદક રૂસી કંપની વિશે જાણો છો ? સ્પેસ ટેક્નોલોજિમાં પણ રશિયા કરતાં નાસા અને ઇસરો આગળ છે. એક સમયે વિજ્ઞાન-ટેક્નોલોજિના ક્ષેત્રે અગ્રેસર રહેલું રશિયા આજે કેમ પાછળ રહી ગયું ? કદાચ એટલા માટે કે રશિયાનાં ઘણાંખરાં વૈજ્ઞાનિક સંશોધનો તત્કાલીન સરકારોના રાજકીય દબાણ હેઠળ થયાં હતાં. અમેરિકાથી બે ડગલાં આગળ રહેવાનો સોવિયેત રશિયાના શાસકોનો ભયંકર હઠાગ્રહ હતો. પરિણામે અવનવા શોધ-સંશોધનનું મોતી વીંધી સોવિયેત સંઘનો ડંકો વગાડવા માટે તેઓ રૂસી વિજ્ઞાનીઓ પર ટોર્ચરની હદે દબાણ કરતા હતા. જેમ કે રશિયન અણુપ્રોગ્રામના પિતામહ આન્દ્રેઇ સખારોવ પર રિસર્ચકાર્ય એટલી હદે ઠોકી બેસાડાયું કે દિવસોના દિવસો સુધી તેને બંધ લેબોરેટરીમાં ‘નજરકેદ’ રખાયો હતો. સખારોવે વર્ષો પછી ડાયરીમાં નોંધ્યું તેમ, ‘લેબોરેટરીની નાની અમસ્તી બારીમાંથી હું રોજ સવારે સશસ્ત્ર સોવિયેત ચોકિયાતોને કૂચ કરતા જોતો હતો. લેબોરેટરીની આસપાસ તેમનો કાયમ ચોકીપહેરો રહેતો.’ સોવિયેત સ્પેસ પ્રોગ્રામના સૂત્રધાર સર્ગેઇ કોરોલ્યેવ પર સ્તાલિન વિરુદ્ધ કાવતરાં રચવાનો આરોપ મૂકી તેને સાઇબિરિયાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો, જ્યાંના નર્કાગાર વાતાવરણમાં તેની પાસે ૬ વર્ષ રોકેટવિજ્ઞાન અંગે સંશોધનકાર્ય કરાવવામાં આવ્યું. યુદ્ધકાળમાં સ્તાલિનને મિસાઇલ બનાવવાની આવશ્યકતા જણાતા કોરોલ્યેવને તેણે સજામાફી આપી. મિસાઇલ બનાવવાના પ્રોગ્રામમાં ત્યાર બાદ તેને બળજબરીપૂર્વક જોતરી દેવામાં આવ્યો. વિમાનવિદ્યાના ખુરાંટ ઇજનેર આન્દ્રેઇ તુપલોવને પણ વર્ષો સુધી બંદીવાન બનાવીને તેની પાસે વિમાનો બનાવવા અંગેનું રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. ઇગોર સિકોર્સ્કી પર તો સોવિયેત સરકારે એટલો બધો માનસિક ત્રાસ ગુજાર્યો કે કંટાળીને તે દેશ છોડી અમેરિકા વસી ગયો.
સોવિયેત રશિયાના લોખંડી પડદા ઓથે આવું બધું ચાલ્યું એ દરમ્યાન અમેરિકાએ શું કર્યું ? વોશિંગ્ટન સરકારે વિજ્ઞાનીઓને, ઇજનેરોને તેમજ સંશોધકોને પોતપોતાનું કામ કરવા માટે છૂટો દોર આપી દીધો. અવનવાં શોધ-સંશોધનો માટે સરકારે ન તેમના પર રાજકીય દબાણ કર્યું કે ન તેમના કાર્યમાં દખલગીરી કરી. અમેરિકાના બુદ્ધિધનને મુક્ત વાતાવરણ મળતાં કલ્પનાશક્તિને તેમજ વિચારશક્તિને પાંખો ફૂટી. આજે તેનું પરિણામ નજર સામે છે. સ્પેસ ટેક્નોલોજિથી (કે જેનો પાયો રશિયાએ નાખ્યો) માંડીને લેસર કિરણો (કે જેનો પણ પાયો રશિયાએ નાખ્યો) સુધી અમેરિકાએ વિશ્વબજારને સર કર્યું છે. ટૂંક સાર ઃ વિજ્ઞાન અને રાજકારણ તેલ-પાણી જેમ નોખા રહેવા જોઇએ. બેયને ભેગા કરવા જતાં ટ્રેજિક પરિણામો આવે છે. ઇસરોમાં આપણા રાજકર્તાઓનો બિલકુલ હસ્તક્ષેપ નથી--અને માટે જ ઇસરો આજે ઇસરો છે.
Comments
Post a Comment